જિંદગી પણ કેવી કમાલ કરે છે
જિંદગી પણ કેવી કમાલ કરે છે – પહેલા આંખમાં આંસુ આવતા ત્યારે બા યાદ આવતી આજે હવે બા યાદ આવે છે અને આંખોમાં આંસુ આવી જાય છે !
જિંદગી પણ કેવી કમાલ કરે છે – પહેલા આંખમાં આંસુ આવતા ત્યારે બા યાદ આવતી આજે હવે બા યાદ આવે છે અને આંખોમાં આંસુ આવી જાય છે !
તું હતી તો ઘર ખરેખર ઘર હતું મા
એક મીઠું આંગણે સરોવર હતું મા !
ધોમ ધખતા તાપ સહાયે ઢાલ જેવું
એક માથે વાદળું ઝરમર હતું મા !
સાવ ખાલીખમ હતું , પણ તું હતી તો
એમ લાગે ખોરડું પગભર હતું મા !
યાતના વચ્ચે મલકતું અને હરખાતું
એ વદન હેતાળ અને મનહર હતું મા !
નફા નુકસાનનો મારે હિસાબ શાનો ?
તારું બસ હોવાપણું જ સરભર હતું મા !
( રતિલાલ સોલંકી )
ખોબા જેવડી ઝૂંપડી
એમાં હવા માટે જગ્યા નથી
અહીં તડકા માટે જગ્યા નથી
એમાં નહાવા માટે જગ્યા નથી
અહીં ખુરશી માટે જગ્યા નથી
હું ઉંબરે બેસીને હોમવર્કમાં
આકાશ ઉપર નિબંધ લખું છું
અહીં મારૂં ઘર એટલું બધું સાંકડું છે
કે મને અક્ષરોની ભીડ લાગે છે
પણ સાંજ પડે મારી બા
કામેથી પાછી આવે ત્યારે
ખોબા જેવી ઝૂંપડી મોટી બની જાય છે
ઘર મોટું થઇ જાય છે
મને મારી બાની ભીડ નથી લાગતી !
( અંકિત ત્રિવેદી )
હાડ હાડમાં હેત ભર્યું જેણે
વેણ વેણમાં વરદાન
જુઓ ઘરઘરમાં એ બિરાજે
જાણે ભૂતળમાં ભગવાન !
( મકરંદ દવે )