Error message

Notice: Undefined offset: 1 in counter_get_browser() (line 70 of /home/u701406760/domains/drjanmejaysheth.com/public_html/sites/all/modules/counter/counter.lib.inc).

બાળપણનાં સંભારણાં

દરેક માણસ પોતાની જિંદગીમાં કોઇ ન કોઇ વાર તો પોતાનું બાળપણ યાદ કરતો જ હોય છે . મનના કોઇ અજાણ્યા ખૂણામાં વિસરાયલી બાળપણની મધુર સ્મૃતીઓ વાગોળવી આપણને બધાને ગમતી હોય છે.
આજે મારે તમને બાળપણની વાતો કરવી છે. બાળપણની વાતો કરીએ ત્યારે શ્રી. જગજીતસિંઘની પ્રખ્યાત ગઝલનાં શબ્દો
અનાયાસે યાદ આવી જાય છે –
યે દૌલત ભી લે લો , યે શૌહરત ભી લે લો
ભલે છીન લો મુઝસે મેરી જવાની
મગર મુઝકો લૌટા દો બચપનકા સાવન
વો કાગજકી કસ્તી , વો બારીશકા પાની ( 2 )
આ ગઝલ સાંભળીને આજે પણ દિલ ખુશ થઇ જાય છે ; ચાલો થોડા સમય માટે આપણે બધા જ આપણા બાળપણની સુમધુર યાદોને તાજી કરી લઇએ –
હસતું હસાવતું, રડતું રડાવતું,રમતું રમાડતું, લડતું લડાવતું
ઘડીકમાં હસતું અને હસતાં હસતાં રડી પડતું
ઘડીકમાં રમતું અને રમતાં રમતાં લડી પડતું
કેવું સરસ , મજાનું અને સુખદ હતું એ બાળપણ !
ગાતા(2)નાચવું,નાચતા(2) ખાવું,ખાતા(2) કૂદવું, કૂદતા(2)ચાલવું
કરતાં ગાંડીઘેલી વાતો,મોઢાના ચેનચાળા,મશ્કરી અને અટકચાળા
ભાવતાં બજારનાં ખાટામીઠા શરબત ને ઠંડા મીઠા બરફના ગોળા
કેવું ભલું , ભોળું અને ભાગવંતુ હતું એ બાળપણ !
દિવાળીમાં હરવા ફરવા અને મીઠાઇ ખાવા સાથે ફટાકડાની મજા
હોળીધુળેટી પર દોસ્તો સાથે હલ્લાગુલ્લાને રંગોથી રંગાવાની રજા રમતાં ગલીમાં રસ્તા પર ગિલ્લીદંડા, ભમરડા ને લખોટીની રમત
ઉત્તરાણ પર અગાશીમાં પતંગ કાપવાની ને પકડવાની ગમ્મત !
ધિંગામસ્તીમાં વીતતા દિન અને બિન્ધાસ્ત જાતી રાતો ,
શેરી , શાળા અને ભાઈબંધોની ન ખૂટતી મીઠી મધુરી યાદો ;
મારું ઘર , મારા પૈસા , મારી ખુશી – આ બધું જ ભલે લઈ લો ,
મારી બસ એક જ ઇચ્છા છે કે મારું બાળપણ મને દઇ દો !
મારે મારું બાળપણ પાછું જોઈએ છે , કોઇ મદદ કરશો મને ?
માણસ ગમે તેટલો મોટો થઇ જાય પણ એના હૃદયમાં શૈશવનો વૈભવ હમેશા છલકાતો હોય છે .બાળકના ચહેરા પર જે
નિર્દોષ હાવભાવ અને નિખાલસ હાસ્ય જોવા મળે છે તે જોઈને મને મનમાં થાય છે કે આ જ ભગવાનનું સાચું સ્વરૂપ છે.આથી જ
પંડિતો કહી ગયા છે કે ભગવાનની સૌથી નજદીક કોઇ હોય તો તે
બાળક છે ; બાકી બીજા બધા ય ચહેરા જૂઠા છે , બનાવટી છે અને
ખંધા છે. દરેક માણસ બાહ્ય જગતમાં બનાવટી ચહેરો લઈને જ ઘરની બહાર ફરતો હોય છે . આ સંદર્ભમાં લેખક શ્રી. હિતેન આનંદપરાનાં એક શેર સાથે મારી વાત હવે પૂરી કરું છું –
ચાલો બધા સાથે મળી ભગવાનના વારસ બની જઈએ ,
બસ શરત એટલી જ કે સૌ પ્રથમ માણસ બની જઈએ ;
હવે એક જ રસ્તો છે તમાશા દૂર કરવાનો ,
બધા ય વેશ સંકેલી સૌ ફરી બાળક બની જઈએ !
( ડો. જન્મેજય શેઠ )