એક નાનકડો છોકરો હતો ; ઘરનાં ધાર્મિક વાતાવરણમાં ઘરમાં રોજ ભગવાનની પૂજા આદિ થતાં જોઇ તેને પરમાત્મા માટે પ્રેમ અને આદર હતા . તે પૂજાવિધિ કઇ સમજતો નહીં અને તેને તે આવડતા પણ નહોતા . એક દિવસ તે મંદિરમાં ગયો . ત્યાં મોટા મોટા પંડિતો વેદપાઠ કરતા હતા અને વિધિવત ક્રિયા પૂજા આદિ પણ કરતા હતા .
આ નાનો છોકરો પણ ભગવાનની મૂર્તિ સામે ઉભો રહી હાથ જોડી હોંશે હોંશે આખી કક્કો બારાખડી બોલી ગયો . પેલા પંડિતો આ જોઇ મશ્કરીથી હસ્યા અને બાળકને વ્યંગમાં પૂછ્યું – તેં શી પ્રાર્થના કરી ? બાળકે કહ્યું – મને પ્રાર્થના પાઠ આવડતા નથી ; હું તો ભગવાન સામે કક્કો બારાખડી બોલી ગયો છું . ક્રિયા તેમ જ પૂજા પાઠ બધું પૂરું થતાં બધા આંખો બંધ કરીને ધ્યાનમાં બેસી ગયા . આ જોઇને નાનો છોકરો પણ આંખ બંધ કરીને બેસી ગયો . થોડા વખતમાં પેલા છોકરાને ભગવાનનાં
દર્શન થયા અને તેણે તેમની સાથે કાલીઘેલી ભાષામાં વાતો પણ કરી .પંડિતોએ બાળકને પૂછ્યું - શું થયું ? બાળકે જવાબ આપ્યો- મેં ભગવાનને જોયા અને તેમની સાથે વાતો પણ કરી .
પંડિતોને આશ્ચર્ય થયું કે અમે શાસ્રોક્ત વિધિથી પૂજાપાઠ
કર્યા છતાં અમને ભગવાનના દર્શન ન થયા પણ આ છોકરાને થયા તો આવું કેમ ? તેમણે બાળકને ફરીથી પૂછ્યું – તેં શું પ્રાર્થના કરી હતી ? બાળકે નિખાલસતાથી કહ્યું – હું તો કક્કો બારાખડી બોલી ગયો હતો કારણ કે મને આ જ આવડે છે . મેં
ભગવાનને કહ્યું કે મને પ્રાર્થના નથી આવડતી પણ આ કક્કા બારાખડીમાંથી તને ગમે તેવી પ્રાર્થના તું તારા માટે બનાવી લેજે
અને મારા તરફથી હતી તેમ માની લેજે !
કહેવાનું તાત્પર્ય એટલું જ કે પંડિતાઇ કે અહંકારથી ભગવાન ન મળે પણ બાળક જેવા નિર્દોષ અને સરળ બનીએ તો
પરમાત્મા જરૂર મળે !
( જનકલ્યાણ )
બાળકની પ્રાર્થના
Submitted by janmejay on Thu, 2014-10-23 18:36
Tag: