આજના જમાનાની વિચિત્રતા છે કે જરજમીન , માલમિલકત, ગાડી , બંગલો વગેરે એકઠું કરવામાં આપણે જાતને ઘસી નાખીએ છીએ અને આ બધી સંપત્તિ મેળવ્યા પછી એને સાચવવામાં પાછા અડધા થઇ જઇએ છીએ . આજે મારે તમને એક એવી સંપત્તિની વાત કરવી છે જેને વહેંચો તેમ વધતી જાય છે , તમે ખરચો તો ય ખૂટતી નથી તેમ જ આ સંપત્તિને કોઇ ચોર કે લૂટારા લૂંટી પણ શકતા નથી – આ સંપત્તિ એટ્લે આપણે મેળવેલ જ્ઞાન ,અનુભવ, સ્નેહ ,સદભાવ અને લાગણીઓની સંપત્તિ !
દરેક માણસ પોતાનાં ભૂતકાળના કડવા મીઠા પ્રસંગોને યાદ કરતો જ હોય છે . મેં પણ મારા ગઇકાલનાં અનુભવોને યાદ કરીને શબ્દોમાં વર્ણન કરવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે . અહીં પારણાથી માંડીને છેલ્લા બારણા મતલબ કે જનમથી મરણ સુધીના પ્રસંગો પ્રસ્તુત છે . કવિ શ્રી મકરંદ દવેએ લખ્યું છે - કોકનાં તો વેણને વીણીવીણીને વીરા ઓછા અધૂરા ન કરીએ, હૈયામાં ઊગે એવી હૈયાની વાતને ફૂલ જેમ ફોરમતી કરીએ !
આ બ્લોગમાં મારા હૈયામાં ઉગેલી લાગણીઓની વાતો તો છે જ મતલબ કે મારી લખેલી સ્વતંત્ર રચનાઓ તો છે જ તદુપરાંત વીતેલા વરસોમાં મને જે કઇં જોવા , જાણવા અને સાંભળવા મળ્યું અને તેમાંથી જે પણ મારા મનને સ્પર્શી ગયું તેને શબ્દોમાં ઢાળવાનો મેં અહીં પ્રયોગ કર્યો છે . મારા બ્લોગમાં ઘણા નામી અનામી સર્જકોની કૃતિઓ અને લખાણોનો મેં છૂટથી યથોચિત ઉપયોગ તેમ જ સમાવેશ કર્યો છે તે બદલ આ સૌનો હું ખાસ આભાર માનું છું . આ બધું મને સમાજમાંથી જ મળ્યું છે અને સમાજને જ પાછું આપું છું – ‘તેરા તુજકો અર્પણ ક્યા લાગે મેરા’ આ ભાવ સાથે આ બ્લોગનો પ્રારંભ કરું છું .
નીચેના લખાણોમાંથી જે કવિતાઓ , લેખ અને ગીતો પર *માર્ક કરવામાં આવ્યું છે તેને વાચકો વાંચવા ઉપરાંત સાંભળવું હોય તો tahuko અને google નાં સૌજન્યથી સાંભળી પણ શકશે.
મને બાળપણમાં શાળામાં જે કવિતા શિખવાડવામાં આવી હતી તેનાથી હું મારા બ્લોગની શરૂઆત કરું છું . આ કવિતા મને અતિશય પ્રીય છે જેને હું વાંચકો સાથે SHARE કરવા માંગું છું.