હવે સમય બદલાયો છે ; આજકાલ ઘણા કુટુંબોમાં સંતાનો ભણી ગણીને પોતાનો દેશ છોડીને અમેરીકા , કેનેડા ,ઇંગલેંડ જેવા પરદેશમાં પહેલાં નોકરીએ લાગે છે અને પછી તક મળતાં ત્યાં વિદેશમાં જ રહેવા માંડે છે. આવા સંતાનોથી વિખૂટા પડીને એકલા ભારતમાંજ રહેતા માબાપની કથા-વ્યથા રજુ કરતી એક રચના આપણે જોઈએ -
ભલે ઝઘડીએ ગુસ્સે થઈએ એકબીજા પર તૂટી પડીએ
એકબીજા પર દાદાગીરી કરવા છેલ્લે તો આપણે બે જ હોઈશું .
જે કહેવું હોય તે કહી દે , તારે જે કરવું હોય તે કરી લે એકબીજાનાં ચશ્મા શોધવા છેલ્લે તો આપણે બે જ હોઈશું .
તું રિસાઈશ તો હું મનાવીશ , હું રિસાઇશ તો તું મનાવજે
એકબીજાને લાડ લડાવવા છેલ્લે તો આપણે બે જ હોઇશું .
આંખો જ્યારે ઝાંખી થશે , યાદશક્તિ પણ પાંખી થશે
ત્યારે એકબીજાને એકબીજામાં શોધવા છેલ્લે આપણે બેજ હોઇશું.
ઘૂંટણ જ્યારે દુખશે અને કેડ પણ જ્યારે વળવાનું ચૂકશે
ત્યારે એકબીજાનાં નખ કાપવા છેલ્લે તો આપણે બે જ હોઇશું .
મારા બધા રિપોર્ટ્સ નોર્મલ છે , હું સાવ તંદુરસ્ત છું
આમ કહી એકબીજાને છેતરવા છેલ્લે તો આપણે બે જ હોઇશું. બાળકો મોટા થયા , ભણીગણીને પરદેશમાં ઠરીઠામ થયા
સ્કાઇપ પર વાતો કરવા ઘરમાં આખરે તો આપણે બે જ હોઇશું .
સાથ જયારે છૂટવા આવશે , વિદાયની ઘડી આવી પહોંચશે ત્યારે એકબીજાને માફ કરવા છેલ્લે તો આપણે બે જ હોઇશું !
માનાં વિષયમાં ગુજરાતી સાહિત્યમાં ઘણી રચનાઓ મારા વાંચવામાંઆવી છે તેમાંની કેટલીક રચનાઓ નીચે રજુ કરૂં છું