બા એકલાં જીવે - બા સાવ જ એકલાં જીવે
એકલતાનાં વારસો એને ટીપે ટીપે પીવે
બા એકલાં જીવે – ઉનાળાની રજાઓમાં નાનામોટા બધાં બાનાં ઘરમાં એકઠાં થાયછે ત્યારે – બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું રસગુલ્લાની ચાસણી જેવું વહાલ નીતરતું રહેતું
દોડાદોડી , સંતાકૂકડી , સહુ પકડંપકડી કરતાં
ભાઈ-ભગિની ભેળા બેસી સુખનો હિંચકો ખાતાં
સુખડીમાં ઘી રેડી રેડી બા સહુને ખવડાવે
સુખનો સુરજ છાનોમાનો જલતો ઘરનાં દીવે
બા એકલાં જીવે –
સમય વીતવા સાથે નાનાં મોટા થાય છે, મોટા કામધંધે વળગે છે,
હવે રજાઓ તો પડે છે પણ ગામડાનું ઘર અને બા કોઈને યાદ આવતા નથી ત્યારે –
કાળ કુહાડી ફરી અને કપાયાં વેકેશનનાં ઝાડ
કોઈ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ
સૂનકાર અને સન્નાટો હવે ઘરમાં પહેરો ભરતાં
બાનાં જીવતરની છત પરથી સફેદ પોપડા ખરતાં
સુખડીનો પાયો દાઝેલો શેમાં ઘી બા રેડે ?
બાએ સહુના સપના તેડયા , કોણ બાને તેડે ?
ફાટેલાં સાલુડા સાથે કઇ નિસાસાં સીવે
બા એકલાં જીવે –
બાની કોઇ ખબર કાઢતું નથી, બાને કોઇ ટપાલ પણ લખતું નથી,
બધા બાને ભૂલી ગયા લાગે છે અને બા ઘરમાં એકલાં એકલાં રડ્યા કરે છે ત્યારે –
કમસેકમ કોઇ ટપાલ આવે તાકે આંખો રોજ
નીચું ઘાલી જાય ટપાલી , ખાલી થતો આંસુનો હોજ
દાદાજીનાં ફોટા સામે અશ્રુભીની આંખે પૂછે ?
ફ્રેમ થયેલા દાદા એનાં આંસુ કયાંથી લૂછે ?
શબરીજીને ફળી ગયા’તા બોર અને એ રામ
બાના આંસુ બોર બોર ટપકે ના કોઇ રામ
જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે
બા એકલાં જીવે
બા સાવ જ એકલા જીવે -
( મુકેશ જોષી )