ફાટયા તૂટ્યા જેને ગોદડી ગાભાં આળોટવા ફૂટપાથ
આંધળી માનો દેખતો દીકરો કરતો મનની વાત
વાંચી તારા દુખડા માડી ભીની થઈ આંખડી મારી !
પાંચ વરસમાં પાઇ મળી નથી એમ તું નાખતી ધા
આવ્યો તે દી’થી હોટલને ગણી છે માડી વિનાની મા
બાંધી ફૂટપાયરી જેણે રાખ્યો રંગ રાતનો એણે !
ભાણિયો તો માડી થાય ભેળો જે દી મિલો બધી હોય બંધ
એક જોડી મારા લૂગડામાં એને આવી અમીરીની ગંધ ?
ભાડે લાવી લૂગડા મોંઘા ખાતો ખારા દાળિયા સોંઘા !
દવાદારૂ અહીં આવે ન ઢુકડા એવી છે કારમી વેઠ
રાત ને દિવસ રળું તો યે મારૂં ખાલી ને ખાલી પેટ
રાતે આવે નિંદર રૂડી મારી કને એટલી મૂડી !
જારને ઝાઝા જુહાર કે’જે ઉડે અહીં મકાઇનો લોટ
બેસવા પણ ઠેકાણું ન મળે કૂબામાં તારે શી ખોટ ?
મુંબઈની મેડીયું મોટી પાયામાંથી સાવ છે ખોટી !
ભીંસ વધી ને ઠેલમઠેલા રોજ પડે હડતાળ
શેરનાં કરતાં ગામડામાં મને દેખાય ઝાઝો માલ
નથી જાવું દાડિએ તારે દિવાળીએ આવવું મારે !
કાગળનું તારે કામ શું માડી ? વાવડ સાચા જાણ
તારા અંધાપાની લાકડી થાવાના મે લીધાં પાયખણ
હવે નથી ગોઠતું માડી વાંચી તારી આપદા કાળી !
( ઇંદુલાલ ગાંધી )
દેખતા દિકરાનો જવાબ
Submitted by janmejay on Wed, 2014-10-22 09:49